આહીરો ની ઉત્પતિ

યદુથી શ્રી કૃષ્ણ સુધી યાદવોની પ૯ પેઢીઓ થઈ હતી અને મહાભારત યુધ્ધ પૂર્વેના વંશોમાં યદુવંશને મહત્વનાં વંશ તરીકે ઓળખવામાં આવે છે. આના વંશજો તે યાદવો કે આહીરો તેની વંશાવલી હરિવંશ તથા અગિયાર પુરાણો જેવા કે વાયુ, બ્રહ્માંડ, મસ્ય, પદમ, બ્રહ્મા, ભાગવત, લિંગકુર્મ, ગરૂડ અને અગ્નિ વગેરેમાં જોવા મળે છે. આમાંથી વાયુ બ્રહ્માંડની વંશાવલી સારી રીતે જળવાઈ રહી છે. 
 
આ ઉપરાંત ભારતની અનુશ્રુતિ જાળવતાં પુરાણો, મહાભારત તથા વૈદિક તેમજ અનુવૈદિક સાહિત્યમાં પણ યદુઓને લગતા ઉલ્લેખ જોવા મળે છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, પતંજલીનું મહાભાસ્ય ઈત્યાદિ ગ્રંથો પણ યદુઓ કે એમની પેટા શાખાઓ યાદવો–આહીરો ના ઉલ્લેખ જોવા મળે છે.
 
 સુષ્ટિના સર્જનહાર શ્રી વિષ્ણુની ૭૨ મી પેઢીએ શ્રીકૃષ્ણનો જન્મ યાદવકુળમાં થયો હતો. ત્યારથી યદુવંશ તરીકે આહીરો (યાદવો) ઓળખાવા લાગ્યા તેમજ અન્વેદમાં યાદવો–આહીરોને સંસ્કૃતિના પહેરેગીર તરીકે વર્ણવવામાં આવ્યા છે. આમ આહીર એ એક જૂની પુરાણી ક્ષત્રિય કોમ છે. શ્રીકૃષ્ણ અહિ (સર્પ)ને (ઈર) ધ્રુજાવનાર એટલે કે અહિ કર – આહીર તરીકે ઓળખાયા હતા. અન્ય એક મત મુજબ અહીર – અહીર એટલે કે નાગની સાથે રહેનાર એવો અર્થ કરવામાં આવે છે. જેમાં અહી સાથે જોડાનાર ર’ પ્રત્યય મુજબ સાથે રહેનાર એવો ભાવાર્થ કરવામાં આવતો હોય શ્રીકૃષ્ણને શેષનાગના અવતાર શ્રી બલરામ સાથે રહેનાર અહીર તરીકે પણ ઓળખવામાં આવેલ છે.”
 
 ચંદ્રવંશ માં બ્રહ્માજીથી ગણીને બાવીસમી પેઢીએ નેહુસ રાજા થયાં હતા તેનાં બે પુત્રો હતા તેમાં મોટો કુતધારી તેના વંશમાં છપ્પન કુળ યાદવ થયા તે જ કૂળ કહેવાયું. તે પછી નાનો નરગખ તેનાં વંશમાં નવનંદ થયા અને તેમાં અહિનંદથી અહિકૂળ કહેવાયું.
 આ આહીરનંદના વંશમાં આજથી આશરે પાંચેક હજાર વર્ષ પૂર્વે ગોકુળમાં નંદ નામે મહાપરાક્રમી પુરૂષ થયો તેને ત્યાં લાખો ગાયો હતી. સારૂ લશ્કર તથા ગંગા યમુનાની આસપાસનો કેટલોક મુલક પણ તેના કબજામાં હતો. આ સમયે મથુરામાં રાજા કંસ રાજય કરતો હતો તે મહા જુલ્મી હતો. તેણે પોતાના બેન-બનેવી દેવકી અને વાસુદેવને જેલમાં પૂર્યા હતા. અને દેવકીના અનેક બાળકોને જન્મતાની સાથે જ મારી નાખ્યા. ત્યારબાદ એક બાળકનો જન્મ થયો તેને બચાવવા માટે વાસુદેવે અનેક વિચાર કર્યા છેવટે તેને યાદ આવ્યું કે ગોકુળમાં નંદ નામનો આહીર છે. શરણાગત ધર્મ પુરેપુરો બજાવી શકશે એ આશાએ તે પોતાના જ પુત્રને નંદ નામના આહીરને ત્યાં મૂકી આવ્યા.
 
 જે બાળક તે શ્રીકૃષ્ણ પોતે જ તે નંદ નામના આહીરને ત્યાં બાળલીલા કરતા, ઢોર ચારતા તથા લડાઈનું કામ શીખતાં મોટા થઈ આહીરોનો સાથ લઈ જુલ્મી રાજા કંસનો વધ કર્યો અને મથુરાની ગાદી કંસના પિતા ઉગ્રસેનને સોંપી તથા આહીર કન્યા રાધા સાથે પરણ્યા હતા. આ સમયે ગોકુળ-મથુરાની આજુ બાજુનો પ્રદેશ આહીરોથી છવાયેલો હતો.
 શ્રીકૃષ્ણ ભગવાનના વખતથી જ આહીરો તેઓની સાથે સૌરાષ્ટ્રમાં આવ્યા હોવાનું મનાય છે. શ્રીકૃષ્ણ કંસનો વધ કરી મથુરાની રાજગાદી ઉગ્રસેનને સોંપી પોતે દ્વારકા તરફ પ્રયાણ કર્યું. ત્યારે તે સમયમાં ઘણા આહીરો શ્રી કૃષ્ણ ભગવાનની સાથે સૌરાષ્ટ્રમાં ઉતરી આવ્યા હતા.
 
 આમ, આહીરો શ્રી કૃષ્ણના પ્રેમરૂપી વિયોગ સહન ન કરી શકવાથી તેની સાથે ચાલી નિકળ્યા હતા. દ્વારકા પહોંચતા રસ્તે જયાં જયાં રસાળ અને ફળદ્રુપ જમીન જોવા મળી ત્યાં શ્રી કૃષ્ણ આ લોકોને વસવાટ કરવા સમજાવ્યું અને કેટલીક સમજવા પણ ખરા અને છૂટા પણ પડયા.
 
 ગોકુળ મથુરાથી નીકળી સૌરાષ્ટ્ર પહોંચતા પહેલા શ્રી કૃષ્ણ પાંચેક જગ્યાએ થોભ્યા હતા. તે પાંચ સ્થળો જેવાં કે ધરણીધર, થરા વગેરેને આહીરો તીર્થ તરીકે ગણે છે. વળી આ રીતે રસ્તામાં જે – જે સ્થળે તેઓ સ્થિર થઈ વસ્યા તે સ્થળ નામ ઉપરથી તેઓની પેટા જ્ઞાતિ નિર્માણ થઈ અને કાળે કરીને તેઓ સ્થાનિક પરિસ્થિતિને કારણે તેમજ પરસ્પર વચ્ચેનો વ્યવહાર ન જળવાઈ રહેવાને કારણે એક બીજાથી તદન અલગ પડતા ગયા અને અલગ પેટા કોમ તરીકે અસ્તિત્વમાં આવ્યા.
 
 સૌરાષ્ટ્રમાં આવી જે આહીરો મચ્છુ નદીને કાંઠે વસ્યા તે મચ્છોયા આહીર કહેવાયા પાંચાળ પ્રદેશમાં જઈ વસ્યા તે પંચોળી, સોરઠમાં જઈને વસ્યા તે સોરઠિયા, નાઘેરમાં જઈ વસ્યા તે નાઘેરા, પરચાકરમાં જઈ વસ્યા તે પરાથરિયા, વાળાંકમાં જઈ વસ્યા તે વણાર કહેવાયા. વળી વાગડમાંથી ગોહિલવાડમાં આવી વસ્યા તે વાગડીયા કહેવાયા. આમ, નદી, ગામ, સ્થળ તેમજ કોઈની કાયાના નામે અને કોઈની બાપના નામે જુદી જુદી અટકો પડી.
 
·         આહીરોની શાખા : માધવી
·         આહીરોનું કુળ : વૃષણી
·        આહીરોનું ગોત્ર : અગ્નિ
·         આહીરાનો વેદ :સામવેદ અને ત્રિપ્રવર 
·         આહીરોના ઈષ્ટદેવ : શ્રી કૃષ્ણ